આટકોટના પાંચવડા રોડ પર રામદેવપીરના મંદિર પાસે રાત્રિના સમયે પાંચવડાના પ્રૌઢ બાઇક લઈને જતા હતા ત્યારે અચાનક આખલો આડે ઉતરતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મુત્યુ નિપજ્યું હતું. ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર આટકોટ પાંચવડા રોડ રામદેવપીરના મંદિર પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇક ચાલક રામજીભાઈ ચાવડા ઉમર 51 રહે હાથીગઢ પાંચવડાથી આટકોટ તરફ આવતા હતા ત્યારે તેમના બાઈકની આડે ખુટીયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં તેમજ 108 દોડી ગઇ હતી. મૃતક રામજીભાઈ ચાવડાને એક પુત્ર, એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પીએમ અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.