આટકોટના જીવાપર રોડ પર વૃક્ષ ધરાશાયી થયું, અનેક વીજપોલ જમીનદોસ્ત થયા

ગાજવીજ, ભારે પવન સાથે વહેલી સવારે વરસાદ તૂટી પડતાં માર્ગો પર પાણી ચાલતા થયાં, ખેતરો તરબતર, ચેકડેમમા નવી જળરાશિ ઠલવાઇ ટીમ ભાસ્કર હવામાન ખાતાની આગાહી મુજબ જ સોમવારે બપોરથી રાજકોટ અને મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાતભર છૂટાછવાયા ઝાપટાં શરૂ રહ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજરોજ વહેલી સવારે 4:00 વાગે વરસાદનો પ્રારંભ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટક્યો હતો, તેના પગલે માર્ગો પર પાણી ચાલતા થઇ ગયા હતા. આટકોટમાં કમોસમી વરસાદથી ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયાં હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે રાજકોટ ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાઇ ગયા, વરસાદથી પ્રસંગોમાં માંડવા પડી ગયા, વૃક્ષો ધરાશયી થયાં હતાં. એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. આટકોટ, જીવાપર, પાંચવડા, વીરનગર, સાણથલી વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો જ્યારે પાંચવડા ચેકડેમમાં નવાં નીર આવ્યા હતા સાણથલી જીવાપર રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ભારે પવન સાથે વરસાદ પડતા હાઇવે પર વાહનો પણ થંભી ગયા હતા. 50 ની ઝડપે પવન ફુંકાયો હતો. વીરપુર પંથકમાં પણ મંગળવારે સવાર થી જ વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો અને ગરમી જોવા મળી હતી ત્યારે બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, વીજળીના કડાકા ભડાકા સાથે વીરપુર સહિત મેવાસા, જેપુર, જાંબુળી સહિતના ગામોમાં ધોધમાર કમોસમી માવઠું વરસ્યું હતું અને ખેડૂતોએ વાવેલા મગ, તલ, મગફળી, અડદ, ડુંગળી સહિતના અનેક ઉનાળુ પાકોને નુકશાન જવાની ભીતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કોટડાસાંગાણીમાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું વરસી ગયું હતું. જયારે તાલુકાના અરડોઈ, ભાડવા, રાજપરા, મોટા માંડવા, રાજગઢ, માણેકવાડા, રામોદ, જુની ખોખરી, પાચંતલાવડા, દેવડીયા, નવી ખોખરી, જુના રજપીપરા, સતાપર, રામપરા, વાદીપરા, ખરેડા, સોળીયા પંથકમાં ઝાપટાં પડ્યા હતા અને ઉનાળુ પાક તલી અને મગમાં નુકસાનીની ભીતિ વ્યક્ત કરાઇ છે. ગોંડલમાં દિવસનાં ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *