આજે પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીના વ્રત જેટલું ફળ મળે છે

શિવ મહાપુરાણ પ્રમાણે વિશ્વેશ્વર સંહિતાના નવમા અધ્યાયમાં શ્લોક નંબર 15,16 અને 17 પ્રમાણે માગશર મહિનો અને આદ્રા નક્ષત્ર હોય તે દિવસે શિવલિંગના દર્શન અને શિવલિંગની પૂજા ઉત્તમ ફળ આપનાર બને છે. આ વર્ષે માગશર મહિનામાં માગશર વદ બીજ તા.6 ડિસેમ્બરના રોજ શનિવારે આદ્રા નક્ષત્ર છે. આજના દિવસે એટલે કે, શનિવારે આદ્રા નક્ષત્ર 8:47થી આખો દિવસ અને રાત્રી છે. આથી આ દિવસે આખો દિવસ અને રાત્રી શિવજીની પૂજાનો લાભ મળશે. આ દિવસે રુદ્રી, લધુરુદ્ર, રુદ્ર અભિષેક કરવાથી મનોકામના સિદ્ધ થશે.

આ ઉપરાંત આ દિવસે શિવલિંગના દર્શન કરવાથી કે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજા કર્યાનું ફળ મળે છે. આજના દિવસ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, શિવજીને જળ ચડાવવું તથા કાળા તલ ચડાવવા પણ ઉત્તમ ગણાશે. શિવજીની સામે આખી વાટના 11 દીવા કરવાથી શુભ તથા ઉત્તમ ફળની પ્રપ્તિ થશે અને દરેક મનોકામના પુર્ણ થશે, દુ:ખ દૂર થશે.

આજે દરેક શિવમંદિરોમાં ભક્તો પૂજા-અર્ચના, ભાવપૂર્વક મહાદેવની ઉપાસના, ભક્તિ કરી શિવ પ્રાગટ્ય દિવસ ઉજવશે. શિવતત્વનું ધ્યાન, આંતરિક શુદ્ધિ અને સાધનાનો આ દિવસ વિશેષ માનવામાં આવે છે. આ ઉપરાંત અહંકાર, ક્રોધ, રાગ-દ્વેષ જેવી નકારાત્મકતાઓનો નાશ કરીને શાંતિ, જ્ઞાન અને આનંદ પામવાનો દિવસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *