રાજકોટના ભાવિનભાઈ ચંપકલાલ ઠકરાર (ઉ.વ.36)એ નોંધવેલ ફરિયાદમાં આરોપી તરીકે લખધીર સોહલાનું નામ આપતા એ ડીવીઝન પોલીસે બીએનએસ એકટ 118, 115(2), 351 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ શો-રૂમ પર નોકરી પર હતા ત્યારે શોરૂમમાં કોન્ટ્રાકટ પર ડ્રાઈવિંગ કરતો લખધીર સોહલા તેમની ઓફીસે ધસી આવી કહેલ કે, આજે તને મારી જ નાંખવો છે તેમ કહી ગાળો આપી તેમણે પહેરેલ કડાનો એક ઘા કપાળના ભાગે અને માથાના ભાગે માર્યો હતો. આ દરમિયાન તેમને લોહી નીકળવા લાગતા અને દેકારો થતા શો-રૂમનો સ્ટાફ દોડી આવેલ અને આરોપીને બહાર કાઢેલ હતો. બાદમાં તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી હુમલો કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.