રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે બપોરે 1 કલાકે અટલ સરોવર ખાતે રાખવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને આઈ.વી. ખેર અને મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવા પોલીસને મંજૂરી અપાશે.
પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર તેમજ પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયા વર્ગ-1ના અધિકારી છે અને તેમની નિમણૂક જનરલ બોર્ડમાં કરાઈ છે. વર્ગ-1ના અધિકારી સામે કાર્યવાહી કરવા મંજૂરીની જરૂર પડે છે જેથી સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં એફએસઆઈ ઉપરાંત વધારાની એફએસઆઈની રકમ તેમજ ટી.પી. સ્કીમમાં અલગ અલગ ચાર્જની રકમ માટે નીતિ નક્કી કરવા માટે દરખાસ્ત આવી છે. મનપાની સેક્રેટરી શાખામાં સ્ટાફ રિવિઝન તેમજ રિક્રૂટમેન્ટ રૂલ્સમાં ફેરફાર કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે. રેલનગરમાં ટી.પી. સ્કીમ નં.19ના ફાઈનલ પ્લોટ નં.8માં કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વોર્ડ નં.11માં જૂનો બ્રિજ કે જેને મજબૂતીકરણ માટે એજન્સીએ રિપોર્ટ કર્યો હતો તેના કામને પણ મંજૂરી આપવામાં આવશે.