આજી નદી પરનો રાજાશાહી સમયનો પૂલ બિસ્માર

રાજકોટમાં સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી પર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલો ઐતિહાસિક બેઠો પૂલ આજે તંત્રની ઉદાસીનતાને કારણે બિસ્માર બાજયો છે. આ પૂલ લાંબા સમયથી બિસમાર હોવાને કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ગંભીર મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના આગેવાનો રણજીત મૂંધવા અને હરેશ ભરાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પૂલનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે, તો તેઓ લોકહિતમાં સ્વખર્ચે આ પૂલનું સમારકામ કરાવશે.

ઐતિહાસિક ધરોહરની દુર્દશા તંત્રની નિષ્ફળતા રાજકોટની શાન ગણાતી આજી નદી પર ખત્રીવાડથી બેડીપરા તરફ જવા માટે વર્ષો પહેલા રાજાશાહી શાસન દરમિયાન આ બેઠા પૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૂલ માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતી એક મહત્વની કડી છે. ખાસ કરીને બેડીપરા, રામનાથપરા અને આસપાસના ગીચ વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ પૂલ જીવાદોરી સમાન છે. જોકે, છેલ્લા ઘણા સમયથી રાજકોટ મનપા દ્વારા આ ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે.

આ પૂલ બંધ થતાની સાથે જ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા પણ હટાવી લેવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીનો લાભ લઈ સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા આ પૂલ પર અને નદીના પટમાં મોટા પાયે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આજે આ પૂલ જાણે ‘કચરાનું ઘર’ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના ગંજ ખડકાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. સ્થાનિકોની માંગ છે કે આ પૂલને માત્ર રીપેર જ નહીં, પરંતુ તેને ઊંચો કરી રેલિંગ સાથે નવો બનાવવામાં આવે જેથી ચોમાસામાં પણ તે કાર્યરત રહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *