રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણો હટાવવા માટેની ઝૂંબેશ જેટ ગતિએ શરૂ કરી હોય તેમ આજી નદીના કાંઠે આવેલા 800માંથી 500 ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ ફટકરાવામાં આવી છે. ટીપી સ્કીમ નં.6 માં 80000 ચોરસ મીટરની સરકારી જમીન પર મકાનો અને દુકાનો ખડકાઈ ગયા છે.
કોર્પોરેશનને સરકારને ફાળવેલા પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું છે ત્યારે તેઓને કલમ 61 હેઠળ નોટિસ આપવામાં આવી છે. દબાણકર્તાઓ પોતાના રહેણાક કે કોમર્શિયલ બાંધકામના પુરાવાઓ રજૂ નહીં કરી શકે તો બાદમાં કલમ 202 મુજબ નોટિસ આપી દબાણો દૂર કરવામાં આવશે.
રાજકોટ શહેરના આજી નદીના કાંઠે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં આશરે 80,000 ચો.મી. જમીન ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા 800થી વધુ રહેણાક અને કોમર્શીયલ દબાણોને સ્વૈચ્છીક રીતે હટાવી દેવા માટે કલમ 61 હેઠળ નોટિસો પાઠવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આજે 500 દબાણકર્તાઓને નોટિસ અપાઈ આ અંગે પૂર્વના મામલતદાર એન. પી. અજમેરાએ જણાવ્યુ હતુ કે, જીલ્લા કલેકટરના આદેશ મુજબ આજે સવારથી તંત્ર દ્વારા જંગલેશ્વરના ટીપી સર્વે નંબર 6 પૈકીના ફાઈનલ પ્લોટ 133, 134, 136 અને 159 પૈકીની આશરે 80 હજાર ચો.મી. જેટલી જમીનમાં ખડકાઈ ગયેલા કોમર્શીયલ અને રહેણાંકના દબાણોને હટાવવા માટે આજરોજ સવારથી સ્થળ ઉપર જઈ નોટિસો આપવાનું શરૂ કર્યું છે. આજે 500 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.