આજી ડેમ ચોકડી પાસે આઇટીઆઇ હોસ્ટેલ નજીક અવાવરુ જગ્યા પર ઘવાયેલી હાલતમાં મળી આવેલા આધેડને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા થોરાળા પોલીસે તપાસ કરતા યુવકનો મોબાઇલ, એક્ટિવા લાપતા હોય પોલીસે તપાસ કરતા ઘવાયેલા આધેડ પ્રહલાદ પ્લોટમાં રહેતા હોવાનું અને સોનીકામ કરતા હોય અને રાત્રીના આટો મારવા જતા આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે લૂંટની શંકાએ તપાસ કરતા મોબાઇલ તેના ઘરમાંથી અને એક્ટિવા સોની બજારમાંથી મળી આવ્યા હતા. બાદમાં ભાનમાં આવેલા આધેડની પૂછતાછ કરતાં તે બાકડા પર બેઠા હોય ધસી આવેલા શખ્સે અહીં કેમ બેઠો છો કહી ઝઘડો કરી છરી વડે હુમલો કર્યાનું રટણ કરતા પોલીસને આધેડની વાત ગળે નહીં ઉતરતા હુમલાખોર પકડાયા બાદ સાચી હકીકત બહાર આવશે.
પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં કુબેર કોમ્પ્લેક્સમાં સોનાના દાગીના બનાવવાની દુકાન ચલાવતા ભૂપેન્દ્રભાઇ મણિલાલ આડેસરા (ઉ.52) સોમવારે રાત્રીના ઘેર જમીને આટો મારવા જવાનું કહી નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘેર નહીં આવતા અને ફોન પણ બંધ હોય તેના પરિવારે તેની શોધખોળ કરી હતી. બાદમાં આઇટીઆઇ હોસ્ટેલ નજીક અવાવરુ જગ્યા પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાનું જણાવ્યું હતું. દરમિયાન ભૂપેન્દ્રભાઇનું એક્ટિવા અને મોબાઇલ નહીં મળતા પીઆઇ વાઘેલા સહિતે તપાસ કરતા મોબાઇલ તેના મકાનમાંથી અને એક્ટિવા તેની સોની બજારમાં દુકાન પાસેથી મળ્યું હતું. તેમજ આધેડના ખિસ્સામાં રહેલા રૂ.બે હજારની રોકડ પણ મળી આવતા પોલીસને આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે.