શહેરમાં આજી ડેમ ચોકડી પાસે બેકાબૂ ડમ્પરે ઠોકરે લેતાં બાઇકસવાર પ્રૌઢનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક પ્રૌઢ કારખાને કામે જતા હતા તેમજ અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
માંડાડુંગર પાસે રહેતા ભાઇલાલભાઇ પોપટભાઇ પરમાર તેનું બાઇક લઇને જતા હતા ત્યારે અાજી ડેમ ચોકડી નજીક ડમ્પરે ઠોકરે લેતાં ફંગોળાયેલા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજી ડેમ પોલીસે મૃતદેહને પાેસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક ચાર ભાઇ અને ચાર બહેનોમાં મોટા હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું અને કારખાનામાં કામ કરતા હોય સવારે ઘેરથી કામે જવા માટે નીકળ્યા હતા અને આ બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.