રાજકોટ શહેર-જિલ્લામાં મેઘરાજાનું આગમન થઇ ચૂક્યું છે. જેને કારણે રાજકોટ જિલ્લાના ડેમ, નદી અને જળાશયોમાં નવાં નીરની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તકના આજી, ભાદર સહિતના તમામા ડેમમાં નવાં નીરની આવક થતાં તેની સપાટીમાં વધારો થવા લાગ્યો છે. સિંચાઈ વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યાનુસાર સિઝનનો સૌથી વધુ ઉપરવાસનો સૌથી વધુ વરસાદ માલગઢ ડેમ પર 160 મીમી નોંધાયો છે. આજી-1 ડેમની સપાટી હાલમાં 70 ટકા ભરાયેલી છે. જ્યારે ભાદર -1માં સિઝનનો વરસાદ 61 મીમી નોંધાયો છે.
ન્યારી ડેમમાં સૌની યોજનાથી પાણીની આવક ચાલુ રહ્યા બાદ અને હવે ચોમાસું પણ બેસી ગયું છે. જેને કારણે મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગ પાસેથી નર્મદાનું પાણી લેવાનું બંધ કર્યુ છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ જિલ્લાના 9 સહિત સૌરાષ્ટ્રના 22 જેટલા ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. કંટ્રોલરૂમના જણાવ્યાનુસાર ભાદર-1માં ઉપરવાસમાં સિઝનનો વરસાદ 61 મીમી, ભાદર-2 માં 55 મીમી, આજી -3માં 25 મીમી, મોજમાં 25 મીમી, વેણુ-2માં 41 મીમી, ન્યારી -2 માં 55 મીમી, કરમાળમાં 25 મીમી, વેરીમાં 50 મીમી, કર્ણુકીમાં 100 મીમી, ફોફળમાં 90 મીમી, આજી-1 માં 80 મીમી, ન્યારી 1 માં 12 મીમી, લાલપરીમાં 60 મીમી, આજી-2 માં 30 મીમી વરસાદ નોંધાયો છે.