રાજકોટના વોર્ડ નંબર 15માં આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી સુધીના બિસ્માર રસ્તાઓ અને હાઈવે પરના ખરાબ રોડના લીધે અહીં સ્થિત 500 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને 10 જેટલી સોસાયટીના 5000થી વધુ લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ડાયવર્ઝન આપ્યો ન હોવાને કારણે લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડે છે અને તેને કારણે ટ્રાફિક પોલીસ દંડ વસૂલે છે. છેલ્લા 15 વર્ષથી અહીં લોકોને પડતી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ સાથે આજે કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં સોસાયટીના રહીશો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સહિતના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 15માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો)ચોકડી વચ્ચે આવેલા તમામ વિસ્તારો કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, એન. બી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1, 2, 3, 4, આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ, કિસાન, ધારા, સહજાનંદ, પરમધામ, સુરભી, કેસરીનંદન, નવભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ઓમ ઉદ્યોગનગર, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શિવધારા પાર્ક 1, 2, હરિઓમ પાર્ક, રામ પાર્ક, શ્રી રાધાકૃષ્ણ સોસાયટી અને હાઈવેની સામેની બાજુ સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મધુરમ, શ્રી હરિ, શિવમ, મીરા ઉદ્યોગ ઝોન, રાધા મીરા 1, 2 ઇન્ડસ્ટ્રીઝ ઝોન અને સુવર્ણ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ આમ અલગ અલગ એરીયા ખોખડદડ નદીના પુલ અને આજી નદીના પુલની વચ્ચે આવેલા છે.