રાજકોટ શહેરમાં 10 વર્ષની આંગળિયાત માસૂમ પુત્રીને અવારનવાર હવસનો શિકાર બનાવનાર નરાધમ સાવકા પિતા સામેનો કેસ ચાલી જતા પોકસો કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધીની જેલ સજા તથા રૂ.10 હજાર દંડનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના શહેરી વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતાના પ્રથમ પત્ની થકી ભોગ બનનાર પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા બંનેએ અલગ થઈ જવાનું નક્કી કરતા બંને પતિ-પત્નીએ એકબીજા સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ છૂટાછેડાના લખાણમાં એવી શરત નક્કી થયેલી કે ભોગ બનનાર દીકરી તેની કુદરતી માતા સાથે રહેશે. ત્યારબાદ આ કામના ભોગ બનનારના માતાએ હાલના આરોપી હાર્દિક રમેશભાઈ જોશી સાથે બીજા મેરેજ કર્યા હતા અને ભોગ બનનાર પુત્રીને પોતાની સાથે રહેવા માટે લઈ ગયા હતા.
આ ભોગ બનનાર જ્યારે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે સમયથી તેના સાવકા પિતા આ કામના આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર ઘરે કોઈ ન હોય ત્યારે તેની સાથે માર મારીને ધમકી આપીને દુષ્કૃત્ય આચરતો હતો. ભોગ બનનાર પુત્રી પોતાના સાવકા પિતા દ્વારા કરવામાં આવતા આવા દુષ્કૃત્યથી ડરી ગયેલ હોય જેથી તેણીએ તેના કુદરતી પિતા ને તેના ફઈ મારફત આ બાબતની જાણ કરેલી અને તેના પિતાએ દીકરી પાસેથી સમગ્ર હકીકત મેળવીને આ કામના આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને સદરહુ ગુનામાં પોલીસે આરોપીની અટક કરી જેલહવાલે કર્યો હતો.
ત્યારબાદ આ કેસ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારપક્ષે 12થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તથા ભોગબનનાર ફરિયાદી ડોક્ટર અને પંચ તેમજ તપાસનીશ અધિકારી સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલી તમામ સાહેદો અને દસ્તાવેજી પુરાવા તેમજ ભોગબનનારના કપડાં ઉપર આરોપીના વિર્યની હાજરી મળી આવી હતી અને fsl રિપોર્ટથી સદરહુ આરોપી સામે પુરાવો વધુ મજબૂત થયેલો આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આરોપી સામેના કેસ સાબિત કરવામાં ફરિયાદપક્ષ સફળ થયેલ હોય અને મદદનીશ સરકારી વકીલ આબિદ સોસનની ધારદાર દલીલને ધ્યાને લેતા આ કામના આરોપીને સ્પેશિયલ પોકસો જજ વી.એ. રાણાએ આરોપી પાલક પિતા હાર્દિક જોશીને પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા અને ભોગ બનનારને વિક્ટિમ વળતર યોજનામાંથી રૂ.7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.