રાજકોટ વિધાનસભા 69 (પશ્ચિમ) મત વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ડો. દર્શિતા શાહે કર્યો હતો અને આ મામલે સંવેદનશીલ વિસ્તારોના લોકો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. એ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે આ તપાસમાં પોલીસે ઝંપલાવ્યું છે.
વોર્ડ નંબર 2ના સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં લગભગ 10 જેટલાં ઘરોમાં લઘુમતી સમાજના લોકો રહેતા હોવાની વિસ્તારવાસીઓની ફરિયાદના આધારે રાજકોટ મામલતદાર દ્વારા યાદી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને આ યાદી મોકલી તપાસ કરવા જાણ કરવામાં આવી હતી, જેના આધારે આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ આ તમામ મકાન ખાતે પૂછપરછ અને તપાસ કરવા પહોંચ્યો હતો, જોકે કેટલાંક ઘરોમાં તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં, એટલે કે આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગની જાણ થઇ ગઇ હતી કે કેમ? એ સૌથી મોટો સવાલ છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભાનાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા વોર્ડ નં.2ના રહેવાસીઓને સાથે રાખી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમને આક્ષેપ કરતાં રજૂઆત કરી હતી કે વોર્ડ નંબર 2માં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ વિસ્તારમાં યોગ્ય અમલવારી થતી નથી. આ માટે યોગ્ય કાર્યવાહી કરી ચુસ્ત અમલવારી કરાવવામાં આવે. આ આક્ષેપ સાથેની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા વિસ્તારવાસીઓની રજૂઆતના આધારે કઈ જગ્યાએ અશાંત ધારાનો ભંગ થયો છે એની માહિતી મગાવવામાં આવી હતી. આ યાદી મામલતદાર દ્વારા ગાંધીગ્રામ પોલીસને આપી એમાં તપાસ કરવા જાણ કરી હતી.