રાજકોટ શહેરના 50 જેટલી સોસાયટીને અશાંતધારામાં સમાવવા માટે હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી રાજ્ય સરકારને દરખાસ્ત કરશે. રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચાંદની પરમાર દ્વારા કલેક્ટર તંત્રને અશાંતધારા માટે આવેલી દરખાસ્તોનો સરવે કરી રિપોર્ટ સબમિટ કરી દેવાતા તેનો અભ્યાસ કર્યા બાદ સરકારમાં દરખાસ્ત કરવા ચક્રો ગતિમાન કરાયા છે. જ્યારે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ કમિટીનું નવું માળખું અને માર્ગદર્શિકા જાહેર કરી હતી જે મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.22મીએ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળશે જેમાં 60 જેટલા કેસ મુકાશે.
રાજકોટ શહેરમાં 50 જેટલી સોસાયટીનો અશાંતધારામાં સમાવેશ કરવા સવા વર્ષ પહેલાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા અને ઉદય કાનગડ તથા બે કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં લેન્ડ ગ્રેબિંગના નવા નિયમો મુજબ સરવે કરાવ્યા બાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની સંખ્યા સહિતના અહેવાલ મગાવ્યા બાદ પ્રાંત અધિકારી ચાંદની પરમારે પોતાનો અહેવાલ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યો હતો. હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આ અહેવાલનો અભ્યાસ કરાયા બાદ સરકારને દરખાસ્ત કરાશે.