અર્બન મોબિલિટી વિષય પર સેમિનાર માટે મ્યુનિ. કમિશનર બર્લિન પહોંચ્યા

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા હાલ બર્લિન પહોંચ્યા છે. અર્બન મોબિલિટી કોન્ફરન્સ માટે દેશભરના 9 શહેરની પસંદગી કરાઈ છે જે પૈકી ગુજરાતમાંથી સુરત અને રાજકોટને હાજર રહેવા માટે મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે જેનો ઈ-મેલ આવતાં જ 19મીએ સુમેરા બર્લિન માટે રવાના થઈ ગયા હતા. તેઓ 10 દિવસ સુધી ત્યાં રહેશે.

ઈન્ડો જર્મન અર્બન મોબિલિટી પાર્ટનરશિપ અંતર્ગત ભારતમાં સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર ક્વોલિટી, ક્લાઈમેટ એક્શન, એક્સેસિબિલિટી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેને SUM-ACA નામ અપાયું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રેમી, ઓછા ઉત્સર્જન, સામાજિક સમરસ શહેરી પરિવહનને પ્રોત્સાહનઆપવાનું છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે દેશમાં 9 શહેરની પસંદગી કરાઈ છે જેમાં રાજકોટનો પણ સમાવેશ કરાયો છે.

બર્લિનમાં આ જ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત અધિકારીઓની બર્લિનમાં અલગ અલગ સ્થળોની સ્ટડી ટૂર રાખવામાં આવી છે. જાહેર પરિવહન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ, સ્થળોએ લઈ જવામાં આવશે. તેઓના ટેક્નિકલ એક્સપર્ટ સાથે તેમની ચર્ચા રાખવામાં આવશે. આ ચર્ચા દરમિયાન ભારતમાં કે જ્યાં વસતી ખૂબ વિશાળ છે ત્યાં તેમની પદ્ધતિઓ કઈ રીતે કામ કરશે. બસ ઓપરેશનનું ડિજિટાઈઝેશન, પરિવહન સેવા, ઈલેક્ટ્રિક બસ, શેરી અને માર્ગોની ડિઝાઈન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત લોકોની સુખાકારી માટે પણ ચર્ચા થશે. 10 દિવસ ચાલનારા આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અધિકારીઓને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીનું તમામ પ્રકારનું જ્ઞાન પીરસવામાં આવશે જેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકોમાં ભારત પોતાની કટિબદ્ધતા સાબિત કરવા એક ડગલું આગળ વધારવા માટે કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *