અમેરિકામાં શટડાઉન શરૂ થયાને 37 દિવસ થઈ ગયા છે. ખાસ કરીને હવાઈ યાત્રા પર તેની અસર પડી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ગુરુવારે 40 મોટા એરપોર્ટ પર ફ્લાઇટ ઘટાડાની જાહેરાત કરી હતી. આ ઘટાડો શુક્રવાર સવારથી શરૂ થયો હતો.
આમાં કુલ 40 એરપોર્ટમાંથી, દેશના સૌથી વ્યસ્ત હબ, ન્યુયોર્ક અને વોશિંગ્ટન ડી.સી.ના મોટા એરપોર્ટનો સમાવેશ થાય છે. આનાથી થેંક્સગિવીંગ વીકની રજાઓ પહેલા પ્રવાસીઓમાં ચિંતા વધી ગઈ છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઘણી મોટી એરલાઇન્સે પહેલાથી જ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. અત્યાર સુધીમાં, 700થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. આમાં પ્રાદેશિક અને મુખ્ય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બાકાત રહેશે.
FAA અનુસાર, આ પગલું એર ટ્રાફિક કંટ્રોલર્સની કમીને દૂર કરવા માટે લેવામાં આવ્યું હતું, જેઓ એક મહિનાથી વધુ સમયથી પગાર વિના કામ કરી રહ્યા છે.