અમેરિકાએ ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કર્યો

અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે.

આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું- એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે, તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી.

અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલી વાર 1 ઓગસ્ટે વેપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદી બંનેએ રશિયન તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવેલા 25% વધારાના ટેરિફ પર કંઈપણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે અમેરિકા, ભારતથી આવતા સામાન પર લગાવવામાં આવેલો તે વધારાનો ટેરિફ હટાવી દેશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં સજા તરીકે લગાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *