ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતામંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. એ પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા. એમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ બીજી રેલી સાબરમતી વોર્ડના રાણીપ શાકમાર્કેટથી શરૂ કરી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ અમિત શાહ હવે ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજશે. રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાન ઉપર જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપ શાક માર્કેટ પહોંચ્યા હતા. લોકોની વચ્ચે ચાલતા જઈ અમિત શાહે અભિવાદન ઝીલ્યું હતું. સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીની શરૂઆત કરી છે. રોડ શો દરમિયાન ભાજપ મહિલા કાર્યકરોએ ઢોલ-નગારાં વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા છે. ભારત માતા કી જયના નારા સાથે રાણીપના રસ્તા ગુંજી ઊઠ્યા હતા.
ભાજપના કાર્યકરો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે કેસરિયા સાફામાં એકત્રિત થયા હતા. 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં લોકોને ઠંડક થાય એ માટે પાણી અને છાશનું વિતરણ કર્યું હતું.