આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરવાના છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, બન્ને ચરણમાં રાહુલ બાબાના સૂપડા સાફ થઇ ગયા છે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર 70-70 વર્ષ સુધી ભટકાવતી રહી, આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નામનું કરી દીધું. વધુમાં કહ્યું, સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઇ ગયું છે.
અમિત શાહે જામકંડોરણાથી સભાને સંબોધતા કહ્યું, પોરબંદરથી પહેલી સભા કરું છું, ત્યારે ગુજરાતને અપીલ કરું છું કે, ગાંધી-સરદારના ગુજરાતને મોદી સાહેબ દુનિયામાં ઓળખ આપી રહ્યા છે, તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી, નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો.