ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની કરી નિમણૂક કરવામા આવી છે. સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમજ મકરાણી સહિતના વ્યક્તિઓ ફરાર છે. તાજેતરમાં સેશન્સ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરી હતી. તો સાથે જ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મળેલી સજા માફીનો હુકમ હાઈકોર્ટે રદ કરી એક મહિનામાં જેલમાં સરન્ડર કરવા હુકમ કર્યો હતો.
ગોંડલની સેશન્સ કોર્ટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ હાલ બંનેની શોધખોળ ચાલી રહી છે. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય લીધો હતો.