અમરેલીના બાલાપુરમાં રહેતા પતિ, સાસુ-સસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો

અમરેલી પંથકની પરિણીતાએ રાજકોટમાં પિતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. પરિણીતા સાત મહિનાથી રિસામણે બેઠી હતી છતાં સાસરિયાં ફોન પર ત્રાસ આપતા હોય કંટાળીને આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતકના પતિ, સાસુ અને સસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રૈયા ગામમાં સ્મશાનની સામેની શેરીમાં પિતાના ઘરે સાત મહિનાથી રહેતી ઇલા શિવરાજ વાળા (ઉ.વ.30)એ રવિવારે સાંજે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતા યુનિવર્સિટીપોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઇલા વાળાએ તેના સાસરિયાંના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો તેના પિતાએ વલોપાત કર્યો હતો.

ઇલાના આપઘાત અંગે તેના પિતા અનકભાઇ જીલુભાઇ ધાંધલે (ઉ.વ.60) ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અમરેલીના બાલાપુરમાં રહેતા તેના જમાઇ શિવરાજ વાળા, વેવાઇ રામકુ વાળા અને વેવાણ મીણુ ઉર્ફે ગજરા વાળાના નામ આપ્યા હતા. અનકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી ઇલાના લગ્ન શિવરાજ વાળા સાથે 31 જાન્યુઆરી 2023ના થયા હતા. લગ્ન બાદ સાસુ-સસરા કરિયાવરના મુદ્દે ત્રાસ આપતા હતા અને શિવરાજને ચડામણી કરતા હોય તે ઇલાને મારકૂટ કરતો હતો. સાસરિયાંના ત્રાસથી કંટાળી ઇલા અગાઉ રિસામણે પિયર આવી હતી, પરંતુ સમાધાન થતાં ફરીથી સાસરે જતી રહી હતી. ત્યારબાદ પણ સાસરિયાંનો ત્રાસ ચાલુ રહ્યો હતો. સાત મહિના પહેલાં સાસુ-સસરાની ચડામણીથી પતિ શિવરાજે મારકૂટ કરતાં ઇલાએ તેના પિતરાઇ ભાઇ નિલેશને ફોન કરી જાણ કરતાં નિલેશ તેને તેડી લાવ્યો હતો. ત્યારથી ઇલા પિતાનાઘરે હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *