દેશના મેટ્રોપોલિટન શહેરમાં સમાવિષ્ટ એવા ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં સુરત અને રાજકોટમાં પણ આ સેવા શરૂ કરી હતી. નાગરિકોનો સમય બચાવવા માટે પોતાના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચડવા આ સેવા શરૂ કરવામાં આવી હતી. જેથી BRTS બસ ચલાવવા અલગ કોરિડોર બનાવવામાં આવ્યાં હતાં.
જો કે 15 વર્ષ પહેલાં પહેલા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે. હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહી છે. આમ BRTS પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાકાળ પહેલા જ કોરિડોર બનાવવાનું બંધ અમદાવાદમાં BRTSનો હવાલો સંભાળતા દિપક ત્રિવેદીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં નવો કોઈ કોરિડોર બનાવવામાં આવ્યો નથી. કોરોના કાળ પહેલા જ કોરિડોર બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જે રૂટ શરૂ કરવામાં આવેલા છે તેને મિક્સ ટ્રાફિકમાં બસો દોડાવવામાં આવી રહી છે. બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યા બાદ નવો કોઈ કોરિડોર બનાવવામાં આવ્યો નથી.