ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આગામી ત્રણ દિવસ યથાવત્ રહ્યા બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે, તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે. એ આગાહી સાચી પડતાં આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે, જેને કારણે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે.