ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS (ઈસ્લામિક સ્ટેટ)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખસને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. બે અઠવાડીયા પહેલા જ ગુજરાત ATSને આતંકીઓ આવવા હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે ATSએ રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે.