અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના રાજકોટમાં ઘેરા પ્રત્યાઘાતો

અમદાવાદમાં એક વિદ્યાર્થીની કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટમાં પણ સિંધી સમાજ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે સિંધી સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આરોપીને કડકમાં કડક સજા કરવાની અને આરોપી સગીર હોવાને કારણે કાયદાની છટકબારીનો લાભ લઈને છટકી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી માગ કરી હતી.

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગની તપાસ ફરજિયાત થવી જોઈએ સિંધી સમાજના અગ્રણી જિમ્મી અડવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે બનાવ બન્યો તે ખૂબ જ ગંભીર છે. એક નાની ઉંમરના વિદ્યાર્થીએ સામાન્ય બાબતે એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી. આ ઘટના દર્શાવે છે કે, શિક્ષણ જગતમાં પણ આવા તત્વો ઘૂસી ગયા છે. અમે ગૃહમંત્રી, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગની તપાસ ફરજિયાત થવી જોઈએ, જેથી આવા બનાવો અટકાવી શકાય.

વિદ્યાર્થી બહાર તડપતો રહ્યો અને કોઈ મદદ ન મળી જિમ્મી અડવાણીએ વધુમાં ઉમેર્યું કે, જે સ્કૂલમાં આ ઘટના બની, તેનું લાઇસન્સ રદ કરવું જોઈએ. એક કલાક સુધી વિદ્યાર્થી બહાર તડપતો રહ્યો અને કોઈ સિક્યોરિટી ગાર્ડ કે સીસીટીવી ફૂટેજની મદદ ન મળી. જો સ્કૂલની બહાર સીસીટીવી અને ગાર્ડ હોત તો કદાચ એક કલાકમાં વિદ્યાર્થીનો જીવ બચી જાત. આ ઘટના રાજ્ય સરકાર માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે છે કે, માત્ર ફી વસૂલવી એ જ સ્કૂલની જવાબદારી નથી પણ વિદ્યાર્થીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *