સંગીત ક્ષેત્રે ઓસ્કર સમાન ગ્રેમી એવોર્ડમાં બેયોન્સ 50 વર્ષમાં કન્ટ્રી મ્યુઝિક કેટેગરીમાં ગ્રેમી જીતનારી પ્રથમ બ્લેક વુમન બની છે. કલ્ચરલ આઈકોન ‘II મોસ્ટ વોન્ટેડ’ ગીત પર માઇલી સાયરસ સાથે બેસ્ટ કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પર્ફોર્મન્સ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો. પરંતુ આપણા માટે ગર્વની વાત એ છે કે ભારતીય-અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડને પણ ગ્રેમી જીત્યો છે. ચંદ્રિકા ટંડન અમદાવાદમાં ભણી છે.
કોણ છે ચંદ્રિકા ટંડન, વેપાર જગતમાં જાણીતું નામ 71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ અમદાવાદમાં IIMમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. ચેન્નઈમાં એક પરંપરાગત અને રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના ઘરમાં જન્મેલાં ચંદ્રિકાએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી શૈક્ષણિક અભ્યાસ અને બાદમાં અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમેરિકા સ્થાયી થયાં હતાં. કોલેજ અભ્યાસ માટે ચંદ્રિકાએ પોતાની માતા સામે બે દિવસની ભૂખ હડતાળ કરી હતી. ત્યારબાદ તેમના એક પ્રોફેસરના સૂચનથી ચંદ્રિકાએ IIMમાં અભ્યાસ માટે અરજી કરી હતી અને તેમનું નામ દેશની સૌથી પ્રતિષ્ઠિત એવી IIM અમદાવાદ માટે સિલેક્ટ થઇ ગયું હતું. 1975માં IIMAમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ બૈરૂત, લેબેનોનમાં સિટી બેંકમાં જોડાયાં હતાં. માત્ર 24 વર્ષની ઉંમરે તેમને ન્યૂ યોર્કમાં મેકિન્ઝી એન્ડ કંપનીમાં ઊંચી પોસ્ટ પર ઑફર મળી અને બે દાયકા તેમણે આ કંપનીમાં કામ કર્યું. 1992માં તેમને આ જ કંપનીમાં પાર્ટનરશિપ મળી અને તેઓ આ સિદ્ધિ હાંસલ કરનારાં પહેલાં ભારતીય-અમેરિકન બન્યાં હતાં.
ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેની નાની બહેન ઇન્દ્રા નૂયી સંગીત સાથે બાળપણથી જ જોડાયેલાં હતાં. પરંતુ ચંદ્રિકા પ્રોફેશનલ મ્યુઝિકમાં કેવી રીતે આવ્યાં તેની પણ એક રસપ્રદ સ્ટોરી છે. પોતાના સસરાના 90મા બર્થડેની ગિફ્ટ તરીકે તેમણે પોતાના અવાજમાં ‘ઓમ નમો નારાયણાય’ મંત્રનું સ્ટુડિયો રેકોર્ડિંગ કર્યું. આના એમને એટલા સરસ ફીડબેક મળ્યા કે તેમણે 2009માં ‘સોલ કોલ’ (Soul Call) નામે આ જ મંત્રોનું આખું આલબમ બહાર પાડ્યું. આ જ આલબમ પછી 2011માં ગ્રેમી એવોર્ડ્સની ‘બેસ્ટ કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલબમ’ કેટેગરીમાં નોમિનેટ થયું હતું.