ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું છે. તો અમદાવાદ, દીવ, વડોદરા, ડીસા, ભૂજનું મહત્તમ તાપમાન પણ 41 ડિગ્રીને પાર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. અમદાવાદના ખોખરા વોર્ડમાં બે માસ પહેલા બનાવાયેલા રોડનો ડામર પીગળવા લાગ્યો હતો. સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજના મંદિર સુધીના અંદાજે પોણા કિલોમીટરના માર્ગ પર બે સ્તરમાં ડામર રોડ બનાવ્યો હતો. આ રોડ વધુ મજબૂત કરવા તેના પર ડામરનું પડ પાથરીને લિસ્સો કરાયો હતો. જોકે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી ઉપર પહોંચી જતા તેનો રંગ દેખાવા લાગ્યો હતો.
આ ડામર પીગળવા લાગતા ઉડીને આવતી રજકણો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ ચોંટવા લાગ્યા અને રાહદારીઓના ચંપલ પણ ચોંટી જતા કેવી ગરમી પડી રહી છે તેનો અહેસાસ શહેરીજનોને અત્યારથી જ થવા લાગ્યો છે.