અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો છે. ભારે પનવ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હલાકી પડી રહી છે. અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિગ્સ પણ ફાટી ગયા હતાં. અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે.
હવામાન વિભાગે આગામી 16 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલે એટલે કે 14 મેના રોજ અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાયો તથા ગાજવીજ સાથે વિવિધ વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. ત્યારે આજથી જ સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને વાતાવરણ તથા કેટલાક વિસ્તારમાં વરસાદી વાદળો જામ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદે દસ્તક આપ્યા બાદ આજે અમદાવાદનું વાતાવરણ પલટાયું છે. સાંજના સમયથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોય તેમ આકાશમાં વાદળો છવાઈ ગયા છે.