અમદાવાદમાં આજે કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી છે. પાંચ કેસમાંથી બે પુરુષ અને 3 મહિલા સંક્રમિત થયાં છે. અમદાવાદમાં અત્યારસુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
દેશમાં 24 કલાકમાં 656 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે. શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેના નિવારણ માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ડોક્ટરોએ પણ ચેતવણી આપી
હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવો સબ-વેરિયન્ટ JN.1 છે, જેના કેસ વધી રહ્યા છે, પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ સલાહ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોક્ટરોએ આપી છે. ડોક્ટર નીરજ નિશ્ચલે કહ્યું, દેશનાં ઘણાં રાજ્યોમાં લોકો COVID-JN.1ના નવા સબ-વેરિયન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, એથી ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે.