રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આકાશદિપ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યશપાલ વનરાજભાઇ પઢિયાર નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ સ્સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન યશપાલ ડો. યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ.કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી કોટક કોલેજમાં BCAના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ પુરો થાય પછી અમદાવાદ કે બેંગ્લુરૂમાં નોકરી કરવી પડશે તેની ચિંતામાં રહેતો હોવાથી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક યશપાલ બે બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય દિવ્યાબેન ફુલચંદભાઈ પટેલ પોતાના ઘરે હતી, ત્યારે તેને વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડી હતી. યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યાબેન પટેલ મૂળ ઉત્તરપ્રદેશની વતની છે અને બે ભાઈ બે બહેનના મોટી અને તેણી વિકલાંગ હોવાનું સામે આવ્યું હતું. યુવતીને આવેલો હૃદયરોગનો જીવલેણ નીવડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.