અપહ્યુત સગીરાના પિતાને શાપર પોલીસે 75 દિવસ ધક્કા ખવડાવી ફરિયાદ ન લીધી

પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા પાટિયા પોલીસ સ્ટેશનમાં લગાવી દેવાથી ખરેખર પોલીસ પ્રજાની મિત્ર બની જતી નથી, કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ ચૂકીને ભોગ બનનારને એટલી હદે હેરાન કરતા હોય છે કે સમગ્ર પોલીસબેડાની આબરૂનું ધોવાણ થાય છે.

આવું જ કંઇક રાજકોટ જિલ્લાની શાપર પોલીસે કર્યું છે, સગીરાનું અઢી મહિના પહેલા અપહરણ થયું, સગીરા ફોન કરીને પોતાને તેડી જવા પિતાને જાણ કરતી હતી પરંતુ શાપર પોલીસ એ લાચાર પિતાને ધક્કા ખવડાવતી રહી અને અઢી મહિના પછી પણ હાથ ખંખેરી નાખી જવાબદારીનો દડો રાજકોટ શહેર પોલીસ તરફ ફેંકી દીધો હતો.

રાજકોટ પોલીસ સગીરાનો કબજો મેળવવા બિહાર જવા રવાના થઇ ગઇ હતી.

શાપરમાં રહેતા અને છકડો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં 42 વર્ષના યુવકે તા.4ને ગુરૂવારે રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરમાં રહેતા બિહારના વતની અભિષેક તાતીનું નામ આપ્યુું હતું.

યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે શાપરમાં રહે છે અને ગત તા.18 જૂનના તેની 16 વર્ષની પુત્રી રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી સ્કૂલે ધોરણ 10નું રિપિટરનું ફોર્મ ભરવા આવી હતી અને પરત નહીં ફરતાં તેની શોધખોળ શરૂ કરી હતી. પુત્રીનો પતો નહી લાગતાં તા.19 જુનના યુવક અને તેની પત્ની સહિતના લોકો સગીરાના અપહરણ થયા અંગે જાણ કરવા શાપર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

સગીરા પોતાની સાથે મોબાઇલ લઇ ગઇ હતી, તેનો નંબર પોલીસને આપ્યો હતો, પોલીસે મોબાઇલ શરૂ થશે એટલે તમને જાણ કરશું તેમ કહી સગીરાના પરિવારજનોને હાંકી કાઢ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *