રાજકોટમાં 1997-98માં શહેરમાં વસતા અનુ.જાતિ અને અનુ.જનજાતિ લોકો માટે આરટીઓ ઓફિસ પાસે પ્લોટ ફાળવવામાં આવ્યા બાદ રકમ ભરપાઇ કરવાની કામગીરીમાં મનપાએ સમય બગાડતા સરકારમાં ફરિયાદ છતાં આ પ્રશ્ન નહીં ઉકેલાયાની રજૂઆત કરવામાં આવી હતી. મ્યુ. હુડકો મહામંડળના ચેરમેન દાનુભા સોઢાએ કમિશનરને મળીને રજુઆત કરી હતી કે 1997-98માં આરટીઓ પાસેના સર્વે નં.134માં ડ્રોથી પ્લોટ ફાળવાયા હતા. જનરલ બોર્ડમાં રૂા. 800 ભાવ નકકી કરાયો હતો. બે આસામીને સરકારની મંજૂરી મળ્યા બાદ દસ્તાવેજ કરી આપવાના હતા જે કામ આજ સુધી થયું નથી. વર્ષ 2024માં આ અંગે સરકારમાં ફરિયાદ કરતા અરજી કમિશનરને નિકાલ કરવા જણાવાયું હતું. છતાં 2017 પછી મનપાએ સચિવને કોઇ જવાબ આપ્યો નથી. તો આ અંગે તાત્કાલિક પગલાં લેવાની માગ તેમણે કરી છે.
અન્ય સમાચાર રાજકોટ મહાપાલિકા દ્વારા ગત 1 એપ્રિલથી 1થી 18ની વોર્ડ ઓફિસોમાં આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ વોર્ડ ઓફિસ ખાતેના આધાર કેન્દ્રો પૈકી વોર્ડ નંબર-12(મવડી ચોકડી, રાજકોટ) ખાતેની કીટમાં યાંત્રિક ક્ષતી સર્જાતા આધાર કીટ કામચલાઉ ધોરણે બંધ થયું છે. આ વોર્ડ ખાતેની આધાર કેન્દ્રની કામગીરી કીટ પુન: કાર્યરત થાય ત્યાં સુધીના સમય માટે બંધ રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકોને આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ નં-11-નાનામવા સર્કલ-મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં (પશ્ચિમ ઝોન) વિભાગીય કચેરી ખાતે આધારની કામગીરી માટે મુલાકાત લેવા પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરાયા બાદ તાજેતરમાં વોર્ડ નં.3 અને વોર્ડ નં. 16માં આધાર કાર્ડ કેન્દ્ર ઓપરેટર સસ્પેન્ડ થતાં શરૂ કરવામાં આવ્યા નથી. આથી બે વોર્ડમાં તો આધારનું કામ બંધ જ હતું. તેવામાં હવે મવડીના વોર્ડ નં.12ના આધાર કેન્દ્રમાં પણ ટેકનીકલ ફોલ્ટ આવતા ત્રીજા વોર્ડમાં કામગીરી બંધ થઇ છે.