અનુપમ ખેરે મિત્રને આપેલું વચન નિભાવ્યું

દિવંગત એક્ટર સતીશ કૌશિકના નિધન બાદ તેમના પરિવાર સાથે ઊભા રહેવાનું વચન નિભાવતા પીઢ એક્ટર અનુપમ ખેરે ફરી એકવાર મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં અનુપમ ખેર તેમના દિવંગત મિત્રની પુત્રી વંશિકાના સ્કૂલ ફંક્શનમાં વાલી બનીને પહોંચ્યા અને તેની પરફોર્મન્સ જોઈ. આ ખાસ પળને તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી.

અનુપમ ખેરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘વંશિકાને સ્કૂલના નાટકમાં પરફોર્મ કરતા જોવું એ મારા જીવનની સૌથી મોટા ખુશીના પળોમાંથી એક હતું.’

તેમણે જણાવ્યું કે, સ્કૂલમાં વંશિકાએ નુક્કડ નાટકમાં ભાગ લીધો અને તેની એક્ટિંગ જોઈને તેમને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા.

ખેરે લખ્યું, ‘વંશિકાના સ્કૂલ ફંક્શનમાં વાલી બનીને જવું અને તેને નુક્કડ નાટકમાં પરફોર્મ કરતા જોવું એ મારા જીવનની સૌથી મોટી ખુશી હતી. ઘણા વર્ષો પહેલા હું અને સતીશ દિલ્હીમાં સાથે મળીને સ્ટ્રીટ પ્લે કરતા હતા. વંશિકા ખૂબ જ ટેલેન્ટેડ, મહેનતુ અને સારી એક્ટ્રેસ છે.’

આ દરમિયાન અનુપમ ખેરે વંશિકાના ખૂબ વખાણ કર્યા અને તેના આત્મવિશ્વાસ તથા મહેનતની પ્રશંસા કરી. તેમણે શાળાના પણ વખાણ કરતા કહ્યું કે, કાર્યક્રમનું આયોજન ખૂબ જ સારી અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ ભવિષ્યમાં પણ વંશિકાના આવા કાર્યક્રમોમાં સામેલ થતા રહેશે.

અનુપમ ખેરે આ પ્રસંગની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા, જેમાં તે વંશિકા સાથે જોવા મળી રહ્યા છે. એક વીડિયોમાં તે તેની પરફોર્મન્સના વખાણ કરતા જોવા મળે છે. કાર્યક્રમ પછી તેણે સ્કૂલના સ્ટાફ, ક્રૂ અને અન્ય સ્પર્ધકો સાથે પણ તસવીરો ખેંચાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *