અનિલ મારૂના ભાઈ-ભાભી પણ લાંચ લેતા પકડાયા હતા

અનિલ બેચર મારૂ અગાઉ ભુજમાં ફરજ બજાવતો હતો. અનિલની કામગીરી સતત વિવાદમાં રહી હતી. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અનિલ લાંચના કેસથી કેવી રીતે બચી શકાય તે બાબતે સજાગ હતો. અનિલ બેચરના ભાભી કંકુબેન ભુજના કુકમા ગામના સરપંચ હતા ત્યારે વર્ષ 2021માં એક ઔદ્યોગિક બાંધકામ માટે આકારણી અને તેની મંજૂરી માટે ઉદ્યોગપતિ પાસેથી રૂ.4 લાખની લાંચ માગી હતી. ઉદ્યોગપતિએ પણ તે સમયે ભુજ એસીબીને જાણ કરી હતી અને છટકું ગોઠવાયું હતું.

અનિલ મારૂના સરપંચ ભાભી કંકુબેન અને અનિલનો મોટો ભાઇ અમૃત મારૂ ભુજમાં ઉદ્યોગપતિ પાસે રૂ.4 લાખની લાંચ લેવા ગયા હતા અને લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીએ દંપતીને ઝડપી લીધું હતું. ભાઇ-ભાભી સામે એસીબીનો કેસ થતાં અનિલ મારૂએ તેમની તમામ કાર્યવાહી માટે દોડધામ કરી હતી. એસીબીના કેસથી કેવી રીતે બચી શકાય, કેવા સંજોગોમાં શંકાનો લાભ મળે આ તમામ બાબતથી તે વાકેફ હતો.

અનિલ મારૂએ ફાયરના સાધનોનું ફિટિંગનું કામ સંભાળતા વેપારી પાસેથી લાંચ માગ્યા બાદ વેપારી સોમવારે રૂ.1.80 લાખની રોકડ ભરેલી થેલી સાથે અનિલ મારૂની ઓફિસે ગયા ત્યારે મારૂએ રોકડ ભરેલી થેલી હાથમાં લીધી નહોતી. મારૂએ ટેબલ પર રોકડ ભરેલી થેલી રાખી દેવાનું કહ્યું હતું. વેપારીએ તે મુજબ રૂ.1.80 લાખની રોકડ ભરેલી થેલી રાખી હતી. અનિલ મારૂએ બચવા માટે ખેલ પાડ્યો હતો પરંતુ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને પીઆઇ આર.અેન. વિરાણી વધુ ચબરાક સાબિત થયા હતા અને અનિલ મારૂ ઝડપાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *