સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 તેજસ્વી વિદ્યાર્થીઓએ અધ્યાપક થવા માટે જરૂરી નેટની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. UGC-NETએ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ એવોર્ડ, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક અને પીએચ.ડી. માં પ્રવેશ માટેની પાત્રતા નક્કી કરવા માટેની કસોટી છે તેમાં લાખોની સંખ્યામાં છાત્રો પરીક્ષા આપે છે અને દેશની ટોપ મોસ્ટ પરીક્ષામાં જેની ગણતરી થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેટ-સ્લેટ કોચિંગ સેન્ટરનાં 5 અને વિવિધ ભવનો જેવા કે, અંગ્રેજી ભવનનાં 8, સંસ્કૃત ભવનનાં 6, ગુજરાતી ભવનનાં 5, હિન્દી ભવનનાં 2, કોમર્સ ભવનનાં 1, સમાજશાસ્ત્ર ભવનનાં 1 અને સમાજકાર્ય ભવનનાં 1 એમ કુલ 29 છાત્રોએ નેટ પરીક્ષા પાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમ તેમજ તાલીમને પુરસ્કૃત કર્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સી.સી.ડી.સી. અંતર્ગત ચાલતા નેટ-સ્લેટ તાલીમ કેન્દ્રમાં જનરલ પેપર-1ની નિઃશુલ્ક તાલીમ અને જુદા-જુદા 29 અનુસ્નાતક ભવનો મારફત વિષયના પેપર-2ની નિઃશુલ્ક તાલીમ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે માર્ગદર્શન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ અધ્યાપકોના આ અમૂલ્ય પરિશ્રમને પ્રોત્સાહિત કરતા હોય તેમ દર વર્ષે નેટ તથા જીસેટ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ડંકો વગાડ્યો છે.