રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા શનિવારે એક પરિપત્ર કરી બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોનો પાંચ વર્ષની ફિકસ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા આદેશ કર્યો છે.
જેના પરિણામે રાજ્યની વિવિધ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીએડ, લો સહિતની ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા 3000થી વધુ અધ્યાપકને સીધો ફાયદો થવાનો અંદાજ સેવાઇરહ્યો છે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ તા.15મીએ જારી કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બિન સરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકોને પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનો સમયગાળો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવા માટે ગણતરીમાં લેવા માટે દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં દરખાસ્ત રજૂ કરવા અંગેની ગાઇડલાઇન સામેલ છે.
જે કોલેજો દ્વારા હજુસુધી દરખાસ્ત થયેલી નથી તેવી કોલેજોને તાત્કાલિક વિગતવાર દરખાસ્ત રજૂ કરવા જણાવીએ છીએ.
જો કોઇ અધ્યાપકની દરખાસ્ત કોલેજ દ્વાર રજૂ ન થવાના કારણે ફરિયાદ કે રજૂઆત થશે તો તે ફરિયાદ કે રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે સંસ્થાના આચાર્યની રહેશે તેમ અંતમાં જણાવ્યું છે.