રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ વિભાગના 81 સહિત 203 ડ્રાઇવર પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા બાદ તેમને મહાનગરપાલિકાએ એક મહિનાનો પગાર ચૂકવી દીધો છે અને છૂટા કરી દીધા છે ત્યારે હવે દિવાળીના તહેવારો શુક્રવારથી શરૂ થઇ રહ્યા છે
ત્યારે દર વર્ષની જેમ આગજનીની ઘટના વધી જતી હોય મહાનગરપાલિકા માટે ડ્રાઇવર વગર ફાયર બ્રિગેડ વિભાગની કામગીરી કરાવવી અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. હાલમાં મહાપાલિકાના તંત્રે કામગીરી રોળવવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવેલા બે-બે ડ્રાઇવરમાંથી એક-એક ફાયર બ્રિગેડ શાખાની કામગીરી માટે પરત લઇ લીધાનું સૂત્રોએ જણાવ્યું છે.
મનપામાં ડ્રાઇવરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ આર.કે. એજન્સી પાસે હતો અને તેમના દ્વારા અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ વિભાગમાં 81, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં 95 અને કંઝર્વન્સી વિભાગમાં 27 ડ્રાઇવર મૂકવામાં આવ્યા હતા.
દરમિયાનમાં ગત ઓગસ્ટ માસમાં આર.કે. એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા સપ્ટેમ્બર માસનો પગાર કોણ ચૂકવે તેવો પ્રશ્ન ઊભો થયો હતો. જેના પરિણામે મહાનગરપાલિકાની વિવિધ શાખામાં ફરજ બજાવતા ડ્રાઇવરો બે વખત હડતાળ પર ઉતર્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાએ આ ડ્રાઇવરોને પગાર ચૂકવી દીધો હતો અને આર.કે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા તમામ ડ્રાઇવરને છૂટા કરી દેવા પડ્યા હતા.