અદાણીના બોન્ડમાં 8.90% સુધી વ્યાજ

જો તમે બેંક FD કરતાં વધુ વળતર મેળવવા માગો છો, તો અદાણી ગ્રુપના પબ્લિક બોન્ડ ઇશ્યૂ એટલે કે NCDમાં રોકાણ કરી શકો છો. અદાણી ગ્રુપની મુખ્ય કંપની ‘અદાણી એન્ટરપ્રાઇઝિસ’નો આ ઇશ્યૂ 6 જાન્યુઆરીએ ખુલશે. તેમાં 19 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકાશે.

રિટેલ રોકાણકારો એટલે કે, સામાન્ય લોકો માટે સારી વાત એ છે કે કુલ ઇશ્યૂનો 35% હિસ્સો તેમના માટે અનામત રાખવામાં આવ્યો છે. આ કંપનીનો ત્રીજો પબ્લિક બોન્ડ ઇશ્યૂ છે, આ પહેલા 2024 અને 2025ના ઇશ્યૂને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા જરૂરી; 2 થી 5 વર્ષ સુધીના વિકલ્પો

NCDમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા લગાવવા પડશે. ત્યારબાદ 1,000 રૂપિયાના ગુણાકારમાં રોકાણ વધારી શકાય છે. કંપનીએ રોકાણકારો માટે 24 મહિના (2 વર્ષ), 36 મહિના (3 વર્ષ) અને 60 મહિના (5 વર્ષ)ના ત્રણ ટેન્યોર (સમય મર્યાદા) નક્કી કર્યા છે.

આમાં વ્યાજની ચુકવણી માટે ત્રિમાસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ (પરિપક્વતા પર એકસાથે) જેવા 8 અલગ-અલગ સિરીઝના વિકલ્પો મળશે. આ બોન્ડ્સમાંથી મળતું વ્યાજ તમારી આવકમાં ઉમેરવામાં આવશે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગશે.

બોન્ડ્સમાં રોકાણ કરવું શેર ખરીદવા જેટલું જ સરળ

ડીમેટ એકાઉન્ટ જરૂરી: તમારી પાસે એક સક્રિય ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. તમે ઝીરોધા (Zerodha) કે અપસ્ટોક્સ (Upstox) જેવી બ્રોકર એપ્સના ‘NCD/Bonds’ સેક્શનમાં જઈને અરજી કરી શકો છો.
પહેલા આવો-પહેલા મેળવો: આ ઇશ્યૂ ‘ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ’ (First Come First Serve)ના આધારે છે. એટલે કે જો 19 જાન્યુઆરી પહેલા જ કોટા ભરાઈ જશે, તો તે વહેલો બંધ થઈ જશે.
ગ્રીન શૂ ઓપ્શન: આ ઇશ્યૂનો બેઝ સાઇઝ 500 કરોડ રૂપિયા છે. તેમાં ઓવર-સબસ્ક્રિપ્શન થવા પર 500 કરોડ રૂપિયા વધારાના (ગ્રીન શૂ ઓપ્શન) રાખવાનો વિકલ્પ શામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *