12મી જૂને બપોરે અમદાવાદ AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે DNA સેમ્પલિંગ અને મેચીંગની કાર્યવાહી કરાયા બાદ મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. રવિવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં 86 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા હતા. જે પૈકીના 33 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મૃતદેહો પણ સોંપવાની કામગીરી યથાવત છે. જે 33 મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે તેઓના નામની યાદી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર DNA સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ કોફિનમાં પેક કરી, જરુરી દસ્તાવેજો સ્થળ પર જ આપીને મૃતકોના ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ પર 170 કોફિન પણ તૈયાર રાખવામાં આવી છે. પૂર્વ CMના નિધન બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ બિલ્ડિંગ પર આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.