તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રનાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાનાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિનાં કારણે પાક નુકશાની અને જમીનનું ધોવાણ થયું છે. એક સામાન્ય અંદાજ પ્રમાણે અતિવૃષ્ટિથી ખેડૂતોને ઓછામાં ઓછું રૂ. 1 લાખ કરોડનું નુકશાન થયું છે ત્યારે સરકાર ઓછામાં ઓછું 10,000 કરોડનું પેકેજ આપે તે જરૂરી છે અને આમ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાએ આપી છે.
પાલ આંબલિયાએ જણાવ્યુ હતું કે, તારીખ 18 જુલાઈથી 23 જુલાઈ સુધીમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકશાની અને જમીન ધોવાણ બાબતે રાજ્ય સરકાર દ્વારા ગોકળગાય ગતિએ સર્વે કરવામાં આવી રહ્યો છે. જુનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના 70-80 ગામો મળી આખો વિસ્તાર ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાં પહેલા વરસાદના વિરામ બાદ ખેડૂતોએ વાવણી કરી લીધા પછી તરત પડેલા બીજા વરસાદ એટલે કે 2 જુલાઈથી આજના દિવસ સુધી લગભગ 1 લાખ હેકટર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.