મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે અટલ સરોવરે મળી હતી. જેમાં 45.55 કરોડ રૂપિયાના કામોને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત સાગઠિયા અને ખેર સામે ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી પણ અપાઇ છે.
આ બેઠકમાં અલગ અલગ કર્મચારી-અધિકારી માટે તબીબી સહાય માટે 12 લાખ રૂપિયાની સહાય મંજૂર કરાઈ હતી. જોકે સ્ટાફને ગ્રેડ પેમાં વધારો કરવાની દરખાસ્ત ફરી એક વખત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત 2004થી અપાયેલા કોમ્યુનિટી હોલનું સંચાલન રોટરી ક્લબ ઓફ મીડટાઉન પાસેથી આંચકી લેવાયું છે.
ગુલાબનગર કોમ્યુનિટી હોલનું સંચાલન 2004માં રોટરી ક્લબને સોંપાયું હતું ત્યારે બે વર્ષ માટે અપાયું હતું. આ વખતે પરત લઈ લેવાયું છે. ચેરમેને જણાવ્યું હતું કે, જગ્યા વિનામૂલ્યે આપવાનો ઉદ્દેશ્ય હતો કે લોકોને વિનામૂલ્યે અલગ અલગ પ્રકારના શિક્ષણ મળે જોકે હાલ સંસ્થાએ સીવણ ક્લાસ, નેલ આર્ટ, મહેંદી, બ્યુટી પાર્લર સહિતના વર્ગો માટે 300થી માંડી 1000 રૂપિયા પ્રતિ માસ લે છે જે કોમર્સિયલ ભાવની આસપાસ છે તેથી દરખાસ્ત નામંજૂર કરી દેવાઈ છે.