રાજકોટમાં અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સ ગત તારીખ 1મેથી લોકો માટે ખુલ્લું મુકાયું છે. જોકે અહીં ધારણા કરતાં વધુ લોકોનો ધસારો રહેતા ટિકિટ લેવા માટે લોકોને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળતા ઘર્ષણનાં બનાવો પણ બન્યા હતા, ત્યારે લોકોને આવી મુશ્કેલી ન પડે તે માટે મનપા દ્વારા 20 ટિકિટબારી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ મેઈન ગેટ પાસે QR કોડ સ્કેન કરી ટિકિટ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. એટલું જ નહીં ટૂંક સમયમાં ઓનલાઇન બુકિંગ પણ શરૂ થવાની શક્યતા છે.
આ અંગે મનપાનાં ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અટલ સરોવરને ખુલ્લું મુક્યા બાદ લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 9 દિવસમાં અંદાજે 1 લાખથી વધુ લોકો અટલ સરોવરની મુલાકાત લઈ રહ્યા છે. જોકે અટલ સરોવરમાં પ્રવેશવા માટેની ટિકિટ લેવાનો લોકોમાં ઘસારો રહેતો હતો. જેને ધ્યાનમાં રાખી લોકોની સુવિધા માટે અમે વધારાની બારીઓ ખોલાવી છે. અગાઉ 8-10 બારી હતી. જેની સામે હવે શનિ-રવિ તેમજ રજાનાં દિવસોમાં 20 બારી ખુલ્લી રાખવામાં આવશે. તેમજ મેઈન ગેટની પાસે QR કોડ સ્કેન કરીને પણ ટિકિટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.