અટલ સરોવરની આસપાસનો સ્માર્ટ સીટી વિસ્તાર દેશપ્રેમ અને ગૌરવના રંગોથી રંગાશે

રાજકોટના નાગરિકો માટે ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ નજીક આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય વાયુ સેનાના સંયુક્ત ઉપક્રમે, દેશના સૌથી રોમાંચક કાર્યક્રમોમાંથી એક, ભવ્ય સૂર્યકિરણ એર-શો (Suryakiran Air-Show), પ્રતિષ્ઠિત એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ અને એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ તા. 07-12-2025ને રવિવારે 10:00 કલાકથી અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સીટી વિસ્તારમાં યોજાશે, જે રાજકોટના આકાશ અને ધરતીને દેશપ્રેમ અને ગૌરવના રંગોથી રંગાશે.

પ્રથમ વખત, રાજકોટના નાગરિકોને ભારતીય વાયુસેનાના વિશ્વપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા યોજાનારા એર શોની સાથેસાથે, ભારતીય વાયુસેનાના એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણવાનો અવસર પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ભારતીય વાયુસેનાની પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાની નજીક લાવવાનો, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવાનો અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવાનો છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, તા. 06-12-2025ને શનિવારના સવારે 10:00 કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાશે, જે નાગરિકો માટે રોમાંચક ઝલક પ્રસ્તુત કરશે.

મુખ્ય આકર્ષણોની વિગતો અદ્ભુત સૂર્યકિરણ એર શો (Suryakiran Aerobatic Team): ભારતીય વાયુસેનાની આ વિશ્વપ્રસિદ્ધ ટીમ અટલ સરોવરની આસપાસના આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. ફાઇટર પ્લેન્સ દ્વારા આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બ્રેક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઇ-સ્પીડ પાસેસ કાર્યક્રમમાં મહત્વનું આકર્ષણ બની રહેશે.

એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ: પ્રથમ વખત, શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિક રજૂ કરવામાં આવશે, જે દેશપ્રેમને નવી ઊંચાઈએ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *