અગ્નિકાંડ મામલે તમામ વિભાગના વડાઓની પૂછપરછ કરતી કમિટી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં હાઇકોર્ટે આપેલા આદેશ મુજબ બનાવાયેલી સત્ય શોધક કમિટીના સભ્યો બુધવારે બપોરે 4 વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યા બાદ ફાયર, ટી.પી. સહિતના વિવિધ મુદ્દાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પ્રકરણમાં અગ્નિકાંડ સાથે સંકળાયેલા તમામ વિભાગના વડાઓની પૂછપરછ કરાયાનું અને આગામી 4થી તારીખ સુધીમાં પૂર્ણ કરાશે તેવા નિર્દેશ સૂત્રોએ આપ્યા હતા. ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારે સીટની રચના કર્યા બાદ આ પ્રકરણમાં તેમણે પોતાનો પ્રાથમિક રિપોર્ટ પણ સરકારને સોંપી દીધો છે ત્યારે સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દેનારા આ બનાવમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા જવાબદારો સામે કાર્યવાહીના મુદ્દે અસંતોષ વ્યક્ત કરી સત્ય શોધક કમિટી બનાવવા આદેશ કરાયો હતો. જેના પગલે રાજ્ય સરકારે સોમવારે સચિવ કક્ષાના અધિકારીઓની એક ટીમની રચના કરી હતી.

આ ટીમમાં અશ્વિનીકુમાર, મહેસૂલ વિભાગના સચિવ પી.સ્વરૂપ, ગ્રામ વિકાસ કમિશનર અને પંચાયત ગ્રામ વિકાસ સચિવ મનીષા ચંદ્રા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન રાજકુમાર બેનિવાલ સહિતના અધિકારીઓની નિમણૂક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *