ટીઆરપી ગેમ ઝોનની ઘટનાની તપાસ ચલાવી રહેલી શહેર પોલીસની સીટની ટીમ ફરીથી ફાયર બ્રિગેડ કચેરીએ પહોંચી હતી અને ત્યાંથી કેટલાક મહત્ત્વના પુરાવા કબજે કર્યા હતા. પોલીસની કાર્યવાહીથી ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સામે સકંજો કસાયો છે. આ ઉપરાંત બે પીઆઇની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે.
એસીપી ક્રાઇમ બસિયા સહિતની સીટની ટીમ સોમવારે સાંજે મહાનગરપાલિકા કેમ્પસમાં પહોંચી હતી અને સીધી જ ફાયર બ્રિગેડની કચેરીમાં ટીમ ગોઠવાઇ ગઇ હતી. પોલીસની આ ટીમે ઓફિસમાંથી કેટલાક મહત્ત્વના પુરાવા કબજે કર્યા હતા. થોડી જ ક્ષણો બાદ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ પોલીસે કેટલીક મહત્ત્વની કાર્યવાહી કરી હતી.
પોલીસે કબજે કરેલા પુરાવા પરથી ડેપ્યુટી ચીફ ફાયર અોફિસર જે.બી. ઠેબાની ધરપકડનો રસ્તો ખૂલતો હોવાનું અને તેની પૂછપરછ બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સુધી રેલો પહોંચવાના એધાણ વર્તાઇ રહ્યા છે. બીજીબાજુ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઇ જે.વી.ધોળા અને પીઆઇ વી.એસ.વણઝારા પર એસઆરપીનો પહેરો ગોઠવાતા અનેક ચર્ચા શરૂ થઇ હતી.