અક્ષર માર્ગ પરથી યુવાનને કારમાં બેસાડી ગરાસિયા બોર્ડિંગ પાસે ધોકાથી માર માર્યો

રાજકોટના કેનાલ રોડ પર જિલ્લા ગાર્ડન ચોક નજીક કુંભારવાડા શેરી નં.12માં રહેતા ઉદય જગદીશભાઈ પરમાર (ઉ.વ.21)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પૂર્વદીપસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજા અને એક અજાણ્યા શખ્સને આરોપી તરીકે નામ આપ્યા છે. ઉદય પરમાર લીમડા ચોક વિસ્તારમાં આવેલી એસ.કે.એસ.ઇ. નામની ઓફિસમાં નોકરી કરે છે. તા.9ના રોજ સાંજે ચાર વાગ્યાના આસપાસ તેમને મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારાએ પોતાનું નામ પી.ટી.જાડેજા કહી તેઓ ક્યાં છે તે પૂછ્યું હતું.

થોડીવાર બાદ આરોપીએ ફોન કરી યશ બેન્ક સામે ઊભેલી વ્હાઇટ આઈ-20 કાર પાસે આવવા કહ્યું હતું. ફરિયાદી ત્યાં પહોંચતા આરોપીએ કાર નં. GJ-12-CP-7612માં પાછળની સીટમાં બેસાડી પૂજા રાબડિયા સાથે સંબંધ ન રાખવાની ચેતવણી આપી હતી. બાદમાં કાર ગરાસિયા બોર્ડિંગ પાસે પહોંચતા ફરિયાદીને નીચે ઉતારી ફડાકા તથા લાકડાંના ધોકાથી ઢોરમાર માર્યો હતો.પછી આરોપી ફરિયાદીને કાલાવડ રોડ પર નકલંક ટી સ્ટોલ પાસે ઉતારી “ફરી સંબંધ રાખીશ તો ફરી મારીશ” તેવી ધમકી આપી ફરાર થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને પરિવારજનો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા બાદ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *