રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી તેમની અંગત પળોના વીડિયોને રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકારો સહિતની ટોળકી સામે સાયબર ક્રાઇમમાં ગૂનો નોંધાયો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની ધરપકડ કરી છે.
મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમમાં પાગલ ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
આરોપી ડૉ.કમલ નાંઢાના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રાજકોટની ક્લિનિકમાં સ્પાય કેમેરો મૂકી અંગત પળોના વિડીયો બનાવી બ્લેક મેલ કરવા મામલે 49 વર્ષીય બીએએમએસ ડોક્ટર દ્વારા સાયબર ક્રાઇમ ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઝડપાયેલા મુખ્ય આરોપી ડો. કમલ નાંઢાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મંગળવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફરી રજૂ કરાશે. સ્પાય કેમેરાથી રેકોર્ડ કરેલા વિડિયો અને પુરાવાઓના આધારે તોડબાજ પત્રકારોની ફરાર ટોળકીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.