હૃદયરોગના હુમલાથી વધુ બેના મૃત્યુ થયા છે. કાલાવડ રોડ કણકોટ રોડ પર એવરેસ્ટ વિલામાં રહેતાં પ્રૌઢનું નાનામવા રોડ પર રહેતાં તેમના બહેનના ઘરે હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટના વૃદ્ધનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કણકોટ રોડ પર એવરેસ્ટ વિલા એપાર્ટમેન્ટમાં રહેતાં હસમુખભાઇ અરજણભાઇ બોડા (ઉ.વ.55) ઘરેથી બહાર આંટો મારવા નીકળ્યા બાદ સાંજે નાનામવા રોડ અંકુર કર્મચારી સોસાયટીમાં રહેતાં પોતાના બહેન ચેતનાબેન પ્રવીણભાઇ તાલપરાના ઘરે બેસવા ગયા હતા.
જ્યાં એકાએક તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર લીધા પૂર્વે જ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર હસમુખભાઇ બોડા ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવતાં હતાં.
બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડમાં રહેતાં નટુભાઇ રાણાજી ચૌહાણ(ઉ.વ.60) સાંજે ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું તબીબે જણાવ્યું હતું. બંને બનાવમાં હોસ્પિટલ સ્ટાફે માલવિયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી.