ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થિનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતાં વિવાદ સર્જાયો હતો, જેથી વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ CCTV ચેક કરતાં વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારીની બદલી કરવામાં આવી હતી.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી લાયન્સ સ્કૂલ ખાતે ગતરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપર દરમિયાન કેટલીક મુસ્લિમ સમાજની વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઈઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના આપવામાં આવી હતી. એ બાદ સર્જાયેલા વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થિનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.